સિહોદ ગામ અને પાવીજેતપુર વચ્ચે ભારજ નદી પર બ્રિજ તૂટી પડેલ હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ રોજગાર અર્થે રોજિંદી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજના પુનઃનિર્માણનું કામ અત્યંત મંદગતિએ ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરાયું હતું.
કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમજ હાલ વાહન વ્યવહાર માટે બનાવેલા ડાયવર્ઝનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આગેવાનોના જણાવ્યા મુજબ, હાલનું ડાયવર્ઝન તકલાદી અને જોખમી સ્થિતિમાં છે. જે પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જવાની શક્યતા ધરાવે છે. વધુમાં, વૈકલ્પિક રીતે તૈયાર કરાયેલો બીજો માર્ગ વનકુટીરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડીનો માર્ગ પણ યોગ્ય ગુણવત્તાનો ન હોવાનું અને તેમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરાયા હતા.ચોમાસુ નજીક આવે છે ત્યારે ભારજ નદીમાં પાણીની આવક વધતા હાલના ડાયવર્ઝન ઉપરથી અવરજવર કરવી જોખમી બની શકે છે. તેમજ આ ડાયવર્ઝનનું જ અસ્તિત્વ રહે નહીં. જો સમયસર યોગ્ય અને મજબૂત વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હજારો લોકો માટે સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ, ખેડૂતોના ખેતીકાર્ય અને સામાન્ય જનજીવન ઉપર તેની ગંભીર અસર પડી શકે છે.










