નસવાડી તાલુકા આરોગ્ય કચેરી ખાતે CHO(કોમ્યુનિટી હેલ્થ ઓફ્સિર) અને MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના EMO, MO-TC તેમજ તાલુકા આરોગ્ય અધિકારી (THO)નીઅધ્યક્ષતામાં વિવિધ જાહેર આરોગ્ય કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી.
બેઠક દરમિયાન હાલની ઋતુને ધ્યાનમાં રાખીને ચાંદીપુરા, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. ગામોમાં તાવના કેસોની સમયસર નોંધણી, શંકાસ્પદ દર્દીના સર્વે, લોહીના નમૂનાની તપાસ, લાર્વા નિયંત્રણ, સ્વચ્છતા અભિયાન તેમજ જનજાગૃતિ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માર્ગદર્શન અપાયું હતું. ક્ષયરોગ (ટીબી) નિયંત્રણ કાર્યક્રમ અંગે પણ વિગતવાર ચર્ચા કરીને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંકોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકાયો હતો. ઉપરાંત આરોગ્ય કેન્દ્રોની દૈનિક કામગીરી, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ કાર્યક્રમ, અસંક્રમિત રોગોની તપાસ, આરોગ્ય સર્વે, ઓનલાઈન પોર્ટલમાં સમયસર માહિતીની એન્ટ્રી, આરોગ્ય સૂચકોમાં સુધારો તેમજ સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓએ નસવાડી તાલુકાને વધુ સ્વસ્થ અને રોગમુક્ત બનાવવા સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
