છોટાઉદેપુર જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલ મોંઘુદાટ બિયારણ સોયાબીન, તુવેર, અને કપાસ સદંતર ફેઇલ થતા ખેડૂતોએ ખુબ મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ઉંટકોઈ વિસ્તારના ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન મહિનાના બીજા અઠવાડિયામા ખેતર તૈયાર કરી ખાતર અને બિયારણની ઓરણી કરી હતી. આ વિસ્તારમાં સરકાર દ્વારા કોઈ સિંચાઈની વ્યવસ્થા કરેલ નથી. આ વિસ્તારના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે. આ વિસ્તારની જીવાદોરી હેરણ નદી આવેલ છે. હેરણ નદીમા હાલ ટીપુ પાણી નથી. જેના કારણે આ વિસ્તારના બોર, કૂવા સદંતર સુકાઈ ગયા છે. અલનીનોની અસરને કારણે વરસાદ 25 દિવસ પહેલા વરસ્યો હતો. પરંતુ ત્યારબાદ હજુ વરસાદ ન વરસતા છોટાઉદેપુર જિલ્લાના ઉંટકોઈ, ઉનડા, ઝોઝ, બડાલીયા, અથવાલી, કાશીપુરા, ભીલવાણીયા સહિતના અનેક ગામોમા કપાસ, તુવેર, સોયાબીન જેવા મુખ્ય પાકોના બિયારણ ઉગી બફઈ જતા તે બિયારણ ફેઇલ થયા છે. ખેડૂતો નવેસરથી બિયારણ અને ખાતરની ખરીદીમાં પડયાં છે. ખેતી માટે ખેડૂતોએ નવેસરથી ખેડાણ કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતોને નવુ બિયારણ, ખાતર અને ખેડાણ કરવાથી ખિસ્સામા આર્થિક ભારણ વધ્યું છે. બિયારણ ફેઇલ થતા બિયારણના વિક્રેતા દ્વારા બિયારણ રૂા.740માં મળતું હતું. તે વધીને રૂા.900 થી 1000 લેવાય છે. ખેડૂતો બીજીવાર ખેડાણ કરી બિયારણની વાવણીમા પડયો છે. જો બીજીવાર પણ વરસાદ અલનીનોની અસર હેઠળ વરસીને ખેચાશે તો, ખેડૂતોને ખુબ મોટો આર્થિક ફ્ટકો પડતાં તેના પરિવારનુ ભરણપોષણ મુશ્કેલ બનશે. જગતનો તાત હાલ તો વાદળ તરફ્ નજર કરી વરસાદની વાટ જોઈ રહ્યો છે. વરસાદ વરસશે કે કેમ ? તે સમસ્યાથી ખેડૂત બેહાલ બન્યો છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યાં છે કે, ખેતીવાડી અધિકારી મારફ્તે સર્વે કરાવી ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરી મદદરૂપ બને.
