નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગ દર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-છોટાઉદેપુરના ડેઝિગ્નેટેડ ઓફ્સિર પી.એમ.શાહની ઉપસ્થિતીમાં છોટાઉદેપુરમાં આવેલી ખાણી-પીણીની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. ઝુંબેશ દરમિયાન ટીમ દ્વારા આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરાયો હતો. તંત્રની ટીમ દ્વારા જિલ્લા સેવા સદન રોડ તેમજ તેની આસપાસના વિસ્તારો જેવા કે શાકમાર્કેટ અને મુખ્ય બજારમાં સઘન ચેકિંગ કરીને કુલ 20 જેટલી પેઢીઓની તપાસ કરાઇ હતી. સ્થળ પર જ કુલ 35 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. આ તપાસ દરમિયાન અંદાજીત 10 કિલોગ્રામ જેટલો વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ (અનહાઇજેનિક) સ્થિતિમાં સંગ્રહ કરી રાખેલો ખાદ્ય પદાર્થ અને 2 કિલોગ્રામ જેટલો હાનિકારક ફૂડ કલર મળી આવતા તંત્ર દ્વારા આ આખા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
