અષાઢ સુદ બીજના પાવન અવસરે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા શ્રાદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. ભગવાન જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીખાતે આવેલું છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં રથમાં બિરાજીને ભક્તોને દર્શન આપવા નગરવિહાર કરે છે. જેના કારણે આ તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે નસવાડી નગરમાં સૌપ્રથમવાર યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇ ભારે ઉત્સાહ છે.

પૌરાણિક માન્યતા મુજબ, રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા સાંભળતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા ભક્તિભાવમાં લીન થતાં તેમના હાથ-પગ સંકોચાઈ ગયા અને આંખો વિશાળ બની ગઈ હતી. દેવર્ષિ નારદની પ્રાર્થનાથી ભગવાને કલિયુગમાં આ જ સ્વરૂપે જગન્નાથ તરીકે પ્રગટ થવાનું વચન આપ્યું હોવાનું મનાય છે. ગુજરાતમાં અમદાવાદની જગન્નાથ રથયાત્રા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી નીકળતી આ રથયાત્રાને 140 વર્ષથી વધુનો ઇતિહાસ છે. ભવ્ય કાષ્ઠના રથો, હાથી-ઘોડા, અખાડા, શણગારેલી ઝાંખી અને હજારો શ્રાદ્ધાળુની ઉપસ્થિતિ યાત્રાને ભવ્યતા આપે છે. ભારત ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, પેરિસ, ટોરોન્ટો સહિત વિશ્વના અનેક શહેરોમાં પણ રથયાત્રા યોજાય છે. આ પાવન પર્વ સમાજમાં સેવા, સમરસતા, ભક્તિ અને માનવકલ્યાણનો સંદેશ પ્રસરાવે છે. આ અંગે હરીપુરાની શ્રી એકલવ્ય આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. જી. ચૌહાણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથનો સેવા અને સહકારનો સંદેશ જીવનમાં ઉતારી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રકલ્યાણ માટે કાર્ય કરવું એ જ રથયાત્રાની સાચી ભાવના છે.