છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદને પગલે જેતપુરપાવી અને નસવાડી તાલુકાની 4 નાની સિંચાઈ યોજનામાં પાણીની સતત આવક થતાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. કુંદનપુર અને ઝેર નાની સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો થઈ છે. જ્યારે હરવાંટ અને લિન્ડા ટેકરા નાની સિંચાઈ યોજના જળાશય ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની શક્યતા છે. પરિણામે નીચાણવાળા ગામલોકો, ખેડૂતો, પશુપાલકો અને રાહદારીને સાવચેતી રાખવા તાકીદ કરાઇ છે.
જેતપુરપાવી ટ્રાઇબલ એરિયા સબ પ્લાન હસ્તકની કુંદનપુર નાની સિંચાઈ યોજનામાં જળાશયની સપાટી 98 ફૂટ સુધી પહોંચી 100 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે યોજના ઓવરફ્લો થઈ છે. જેના પગલે કુંદનપુર, કડાછલા, ચુંધેલ અને પાણેજ ગામોને એલર્ટ કરાયા છે. તે જ રીતે ઝેર નાની સિંચાઈ યોજના પણ ભારે પાણીની આવકને કારણે ઓવરફ્લો થઈ છે. આ યોજનાના કારણે નાની ઝેર, ચિલરવાંટ, ખજૂરિયા અને દુમાલી ગામોના લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઇ છે. બીજી તરફ્ હરવાંટ નાની સિંચાઈ યોજનામાં જળાશય તેની ભર સપાટી નજીક પહોંચ્યો છે. 80 ટકાથી વધુ ભરાતા ઓવરફ્લોની શક્યતા છે. હરવાંટ, મોટી આમરોલ અને ભેંસાવહી ગામના લોકોને એલર્ટ કરાયા છે. નસવાડી તાલુકાની લિન્ડા ટેકરા નાની સિંચાઈ યોજનામાં પણ ભારે વરસાદને કારણે જળાશયમાં સતત પાણીની આવક વધતા સપાટી 105.20 મીટરે પહોંચી છે. 80 ટકાથી વધુ ભરાતા ઓવરફ્લોની શક્યતાને લઇ 8 ગામને સાવધ કરાયા છે.
