નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી અવરજવર અને કનેક્ટિવિટીની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નસવાડી તાલુકાના ચુનાખાન ખાતે ભગવાનપુરા-ચુનાખાન રોડ પર રૂા.90 લાખના ખર્ચે બનનાર સ્લેબ ડ્રેઇનનું સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્ય પૂર્ણ થતાં સ્થાનિક રહીશો, ખેડૂતો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં પડતી ભારે હાલાકીમાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય ઇમર્જન્સી વર્ક (બ્રિજ)2025-26 યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ માટે અંદાજિત બાંધકામ ખર્ચ રૂા. 90 લાખ થશે. જેમાં 10 મીટર સ્પાનના 2 ગાળા ધરાવતું સ્લેબ ડ્રેઇન તથા 125 મીટર લાંબો એપ્રોચ રોડ બનાવાશે.
