છોટાઉદેપુર નગરમાં આજરોજ અષાઢી બીજને રથયાત્રાનો પવિત્ર પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રા સાથે નગરમાં પરિભ્રમણ કરી પ્રજાને આશીર્વાદ આપ્યાં હતા. આ પર્વને માણવા નાના બાળકની માંડી વૃદ્ધો સહિતના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રણછોડરાય મંદિર છોટાઉદેપુર ખાતેથી આજરોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ આયોજન જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા કરાયું હતું. નગરમાં નીકળેલી રથયાત્રા રણછોડરાય મંદિરથી નગરના રાજમાર્ગો પર ફરી હતી. ભારે આસ્થા શ્રાદ્ધા ઉમંગ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે સૌ કોઈ આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા.

નગરમાં નીકળેલી રથયાત્રામાં 5 બગી જેમાં 2 વેશભૂષા અને 3 બગીમાં સાધુ સંતોને બિરાજમાન કરાયા હતા. જેમાં 1 બેન્ડ, 2 ડીજે, 1 ભજન મંડળી, 2 ઘોડા, 1 નાસીક ઢોલ, 1 રામ ઢોલ સાથે વિશાળ રથયાત્રા નીકળી હતી. જેને સમગ્ર નગરમાં એક આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ભગવાનને રથમાં નૈમેશ ઠક્કર પરિવાર, ફૂલહાર રાકેશ શ્રીગોડ, ચાંદીની ઝાડુથી પહિંદવિધિ રથ પ્રસ્થાન સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા નારણ રાઠવા સંગ્રામસિંહ રાઠવા નગર પાલિકાના સભ્યો સહિત રાજકીય આગેવાનો, નેતાઓ, અને સામાજિક ધાર્મિક આગેવાનો દ્વારા કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.