બોડેલી ખાતે અનોખી સાડી દોડ 2.0નું આયોજન કરાયું હતું. આગામી તા. 13 ડિસેમ્બર-26ના રોજ યોજાનારી દોડ છોટાઉદેપુર 2.0 મેરેથોનના પ્રી-ઈવેન્ટ દોડમાં આશરે 1500 મહિલાએ ભાગ લીધો હતો.
વડાપ્રધાનના ફ્ટિ ઈન્ડિયા અને ગુજરાત સરકારના ફ્ટિ ગુજરાત અભિયાનને આગળ ધપાવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સેવા સદનથી અલીપુરા ચાર રસ્તા સુધી સાડી દોડ યોજાઈ હતી. જેમા યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાએ સાડી પહેરી દોડમાં ભાગ લઈને સ્વસ્થ નારી, સશક્ત સમાજનો સંદેશ આપ્યો હતો. સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય અભેસિંહ તડવી, શિક્ષણશાસ્ત્રી ડૉ. તનુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર તથા તાલુકા પંચાયત પ્રમુખ હેમલત્તાબેન કોલી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. દોડ દરમિયાન મહિલાઓનો ઉત્સાહ વધારવા વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને ડીજેની વ્યવસ્થા કરાઇ હતી. સાડી દોડમાં રાઠોડ અનિતાબેન વિજયસિંહે પ્રથમ, બારિયા રશ્મિકાબેન રાવજીભાઈએ દ્વિતીય અને રાઠવા સંધ્યાબેન અર્જુનભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. દોડ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહિલાઓ, પોલીસ કર્મચારીઓ, મહાનુભાવો અને નગરજનોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી.
