બોડેલી નજીકથી પસાર થતા ને. હા.નં.56ને જોડતા મુલધરથી જબુગામ વચ્ચે મેરીયા નદી પર રૂા.9.52 કરોડના માતબર ખર્ચે નવીન પુલનું કામ પૂર્ણ થતા વાહન વ્યવહાર ચાલુ કરાયો છે. જેના કારણે તાલુકાના સુપ્રસિદ્ધ પારખ ધામ કબીર મંદિરે આવતા ભક્તો અને આસપાસના 20 જેટલા ગામના વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

જબુગામ પંથકના ધરતીપુત્રોના રોકડિયા પાક એવા કેળા, પપૈયા, તરબૂચ તેમજ શાકભાજી સહિત પશુ માટે ઘાસચારો ભરીને પણ આ બ્રિજ પરથી વાહનો પસાર થઈ શકશે. જબુગામ વચ્ચે મેરીયા નદી પર છેલ્લા બે વર્ષથી પુલની કામગીરી ચાલી રહી હતી. જે પૂર્ણ થતા આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ થયો હતો. અહીં જબુગામ મુલધર વચ્ચે મેરિયા નદી પર બનાવેલ કોઝ-વે છેલ્લા દસેક વર્ષથી તૂટેલી હાલતમાં હતો તેને લઈ મુલધર સહિતના ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા. ત્યારે ચોમાસાની ઋતુમાં મેરિયા નદીમાં ભારે પાણીની આવક થતા પુરમાં કોઝ-વે તૂટયો હતો. અનેક ગામોના લોકો સહિત સંખ્યાબંધ વિદ્યાર્થીઓને મેરીયા નદીના વહેતા પાણીમાં જીવના જોખમે સામે કિનારે જવું પડતું હતું. ત્યારે મુલધર પારખધામ કબીર મંદિરના સંતશ્રી નરેશ સાહેબજીના અથાગ પ્રયત્નો સાથેના માર્ગદર્શન હેઠળ 15 ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવો કરી પુલ બનાવવા સાથે માંગ કરાઈ હતી. ત્યારે ઘણાં વર્ષોથી હાલાકી ભોગવતા ગામોને હાશકારો થવા સાથે પુલ પરથી વાહનવ્યવહાર શરૂ થતાં હવે વાહનચાલકોને પણ રાહત થઈ છે. ત્યારે સરકાર દ્વારા નવીન પુલ બનાવાતા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળે છે.