નસવાડી તાલુકાના નસવાડી-આકોના માર્ગ પર વરસાદને કારણે સર્જાયેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત માર્ગના સમારકામ માટે નસવાડી માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કોલ્ડ મિક્સથી પેચવર્કની કામગીરી હાથ ધરાઇ હતી.

માર્ગ પરના નાના-મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી ક્ષતિગ્રસ્ત સ્થળોની ઓળખ કરી કોલ્ડ મિક્સ મટિરિયલથી પેચવર્ક કરાયું હતું. કોલ્ડ મિક્સ એવી પ્રકારની તૈયાર રોડ રિપેર સામગ્રી છે. જેનો ઉપયોગ પરંપરાગત હોટ મિક્સની તુલનામાં ઝડપી રીતે કરી શકાય છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં તાત્કાલિક ખાડા પૂરવા અને માર્ગને વાહનવ્યવહાર માટે સલામત રાખવા તે ઉપયોગી સાબિત થાય છે. કોલ્ડ મિક્સના ઉપયોગથી પેચવર્કની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય છે અને તેના માટે હોટ મિક્સ પ્લાન્ટમાંથી ગરમ મિશ્રાણ લાવવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે માર્ગ પર ઉભા થયેલા ખાડાઓનું તાત્કાલિક મેન્ટેનન્સ કરી વાહનચાલકો માટે માર્ગને વધુ સુગમ અને સલામત રાખી શકાય છે. વરસાદી ઋતુ દરમિયાન માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને નસવાડી માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ દ્વારા સ્થળ પર તાત્કાલિક કામગીરી હાથ ધરાતા સ્થાનિક વાહનચાલકોમાં રાહત જોવા મળી હતી. કામગીરી દરમિયાન વાહનચાલકોને સાવચેતી રાખવા માટે સાવધાન, કામ ચાલુ છે. વાહન ધીમેથી હાંકો તેવું સૂચન બોર્ડ પણ મૂકાયું હતું.