દેશના ભાવિ નાગરિકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને ભારતીય બંધારણની સમજ વિકસે તેવા હેતુથી નસવાડી તાલુકાની નવગામ પ્રાથમિક શાળામાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં 'બાળ સંસદક્રની ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તર્જ પર યોજાતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને કુતૂહલ જોવા મળ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારી જીગરભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ઉમેદવારીપત્ર ભરાવવાથી લઈને તેની ચકાસણી, ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા, ટેકેદારની સહી, ચૂંટણી ચિહનોની ફળવણી સહિતની તમામ ઔપચારિક પ્રક્રિયાઓ નિયમ મુજબ પૂર્ણ કરાઇ હતી. ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો. મતદાન મથકો પર એજન્ટોની નિમણૂક પણ કરાઇ હતી. આ ચૂંટણીનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું સંચાલન વિદ્યાર્થીઓએ જ કર્યું હતું. પોલિંગ સ્ટાફ્, પટાવાળા તેમજ સુરક્ષા વ્યવસ્થા જેવી તમામ જવાબદારીઓ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિભાવી હતી. જેના કારણે તેમને લોકશાહીની પ્રક્રિયાનો જીવંત અનુભવ પ્રાપ્ત થયો.
