પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી નજીક આવેલા રતનપુર ગામની સીમ વિસ્તારમાંથી વન વિભાગે એક માદા દીપડીનું સફ્ળતાપૂર્વક રેસ્ક્યુ કરતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં દીપડીની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
તા. 20 જૂનના રોજ આ જ વિસ્તારમાં શૈલેષભાઈ રાયસીંગભાઈ રાઠવાની 11 વર્ષની દીકરી ઉપર દીપડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને વન વિભાગ દ્વારા દીપડીને પકડવા માટે વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રતનપુર ગામની સીમમાં આવેલા શૈલેષભાઈ રાયસીંગભાઈ રાઠવાની ઓરડી નજીક દીપડીની હિલચાલ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાંજરું ગોઠવી દીપડીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. લાંબી દેખરેખ અને આયોજન બાદ વન વિભાગની ટીમે માદા દીપડીને સુરક્ષિત રીતે પાંજરે પકડી રેસ્ક્યુ ઓપરેશન સફ્ળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલી માદા દીપડીની અંદાજિત ઉંમર એક વર્ષ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. દીપડી સ્વસ્થ હાલતમાં હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. રેસ્ક્યુ બાદ તેને યોગ્ય સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દીપડી પાંજરે પુરાતા રતનપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકો અને ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગની ઝડપી કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ જંગલી પ્રાણીઓની અવરજવર પર નજર રાખવાની માંગ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો