પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ફેઝ-4 અંતર્ગત નસવાડી તાલુકાના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારના કુકરદા ગામના ખોહરી ફળિયા, બોર ડાબરા ફળિયા અને વાકી કડવ ફળિયા તરફ જતાં માર્ગ પર જરૂરી સ્ટ્રક્ચરના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરતના પ્રોફેસરો દ્વારા સ્થળનિરીક્ષણ કરાયું હતું. જેને કારણે વિસ્તારના ગ્રામજનોમાં માર્ગ વિકાસ અંગે નવી આશા જાગી છે.
સ્થળ નિરીક્ષણમાં માર્ગ પર જરૂરી પુલ, કલ્વર્ટ સહિતના વિવિધ સ્ટ્રક્ચરની જરૂરિયાતોનું વિગતવાર ટેકનિકલ મૂલ્યાંકન કરાયું હતું. માર્ગની ભૌગોલિક સ્થિતિ, વરસાદી પાણીના વહેણ તેમજ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરની રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી તબક્કામાં આ માર્ગોના ડ્રોઈંગ તૈયાર કરાશે અને ટેકનિકલ અંદાજ (Estimate) બનાવાશે. ત્યારબાદ આ દરખાસ્ત ગાંધીનગર ખાતે મંજૂરી માટે મોકલાશે. જે બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. અને ત્યારપછી માર્ગ નિર્માણની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં વિસ્તારમાં વર્ષોથી અનુભવાતી માર્ગ વ્યવસ્થાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેવી આશા વ્યક્ત કરાઇ છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા, એસ.ઓ. પ્રીતેશભાઇ તેમજ મિલીનભાઈ ઉપસ્થિત રહીને સ્થળ પર જરૂરી ટેકનિકલ માહિતી તથા માર્ગ સંબંધિત વિગતો ટીમને પૂરી પાડી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ડુંગરાળ, અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોને ગુણવત્તાસભર ગ્રામ્ય માર્ગો દ્વારા મુખ્ય માર્ગો સાથે જોડવાનો છે.
