દેશભરમાં આગામી 15મી ઓગસ્ટે ઉજવાનાર 79માં સ્વતંત્રતા પર્વને લઈને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. તેના ભાગરૂપે નસવાડી તાલુકા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ આ વર્ષે જામલી પ્રાથમિક શાળાના નવીન કેમ્પસ ખાતે યોજાશે. કાર્યક્રમને સફ્ળ, ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા જિલ્લા તથા તાલુકા તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. હાલમાં સમગ્ર કેમ્પસમાં કામગીરીનો ધમધમાટ જોવા મળે છે.

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નવીન કેમ્પસમાં મુખ્ય મંચની તૈયારી, મહાનુભાવો માટે બેઠક વ્યવસ્થા, વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અલગ બેઠક વ્યવસ્થા, ધ્વજવંદન સ્થળનું સુશોભન, સમગ્ર પરિસરની સફાઈ, રંગરોગાન, માર્ગ વ્યવસ્થા, વાહન પાર્કિંગ, પીવાના પાણી, વીજળી, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય જરૂરી સુવિધા ઉભી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ છે. વિવિધ વિભાગોના અધિકારી સ્થળ પર કામગીરીનું સતત નિરીક્ષણ કરીને કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે સૂચના આપે છે.

તાલુકાકક્ષાના ધ્વજવંદનમાં નસવાડી મામલતદાર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપશે. જેમાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ્ ઓનર, રાષ્ટ્રગાન, વિવિધ શાળાના વિદ્યાર્થી દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતી રજૂઆતો યોજાશે. ઉપરાંત સરકારી યોજનાના અસરકારક અમલીકરણમાં શ્રોષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો