કવાંટ તાલુકામાંથી પસાર થતો અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશને જોડતો અતિ મહત્વનો કવાંટથી રેણદા સુધીનો આશરે 11 કિ.મીનો માર્ગ હાલમાં અત્યંત બિસ્માર થયો છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ સમગ્ર માર્ગ ધોવાયો છે. જેના કારણે રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. સમગ્ર માર્ગ કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. જેને કારણે નાના-મોટા વાહનચાલકો માટે અહીંથી પસાર થવું અત્યંત જોખમી અને જીવના જોખમ સમાન બન્યું છે. થોડા દિવસ અગાઉ નવાલજા ગામ પાસે એક હેવી ટ્રક પલટી ગઈ હતી.
દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલની બિસ્માર સ્થિતિને કારણે ગંભીર દર્દીઓને તાત્કાલિક દવાખાને લઈ જવા કે પ્રસૂતાઓને હોસ્પિટલ પહોંચાડવા વિલંબ થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાદવ અને ખાડાના સામ્રાજ્ય વચ્ચેથી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે. જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેમ છે. આ ખરાબ રસ્તાને કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને સમયસર વાહનો મળતા નથી. જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. કાદવમાં વાહનો સ્લિપ થઈ જવાના કારણે અનેક લોકો નાની-મોટી ઈજાઓનો ભોગ બન્યા છે.
