બોડેલી નગરમાં સોમનાથ સોસાયટી ની વર્ષો જૂની પાણીની ટાંકીની રેલિંગ તૂટી નીચે પડી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સોમનાથ સોસાયટી માં આવેલી પાણીની ટાંકીની ઉપર બનાવવામાં આવે રેલિંગો પૈકી રસ્તા તરફ્ની લાંબી લોખંડી રેલિંગ અચાનક તૂટી પડતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. પરંતુ આ ઘટનાએ પાણીની ટાંકીની જર્જરિત હાલતને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 30થી 35 વર્ષ જૂની આ પાણીની ટાંકીના પિલરોમાં તિરાડો પડી ગઈ છે અને ટાંકીની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ બની રહી છે. અગાઉ પણ ટાંકી ઉપર લગાવવામાં આવેલી લોખંડની નિસરણી તૂટી પડી હતી, જ્યારે વારંવાર કાંકરા અને પોપડા પણ નીચે પડતા હોવાના બનાવો સામે આવ્યા છે. નજીક રહેતા સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકો દ્વારા જર્જરિત ટાંકીનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ જૂની ટાંકી હટાવી નવી પાણીની ટાંકી બનાવવાની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે બોડેલી નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ઝડપથી ધ્યાન આપે છે અને નાગરિકોની સુરક્ષા માટે શું પગલાં ભરે છે.










