રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવ સાથે નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ સ્ટેશનરી બજારોમાં ભારે ચહલપહલ જોવા મળતી હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, સ્કૂલ બેગ, યુનિફેર્મ તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડતા હોય છે. જોકે આ વર્ષે નસવાડીના સ્ટેશનરી બજારમાં અપેક્ષા મુજબની ઘરાકી જોવા મળી રહી નથી, જેના કારણે વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.


વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને વધતા તાપમાનના કારણે લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત હોવા છતાં સ્ટેશનરીની દુકાનો પર ગ્રાહકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. દર વર્ષે જૂન મહિનાના પ્રારંભમાં બજારમાં ખરીદીનો માહોલ જામતો હોય છે, પરંતુ આ વર્ષે બજારોમાં સામાન્ય દિવસો જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

સ્થાનિક વેપારીઓનું માનવું છે કે હાલમાં શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા, પાઠયપુસ્તકોના વિતરણ અને અન્ય શૈક્ષણિક કામગીરી ચાલુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં શાળાઓ નિયમિત રીતે શરૂ થતાં અને વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રીની યાદી મળતાં બજારમાં ઘરાકી વધવાની સંભાવના છે. ઉપરાંત જો ગરમીમાં ઘટાડો થશે તો લોકો વધુ સંખ્યામાં ખરીદી માટે બહાર નીકળશે, જેના કારણે સ્ટેશનરી બજારમાં ફરી ચહલપહલ જોવા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: