પાવીજેતપુર-છોટાઉદેપુર નેશનલ હાઇવે પર પાવી ગામ નજીક એક વૃક્ષની તોતિંગ ડાળી અચાનક તૂટી પડી જતાં વાહનચાલકોમાં અફ્રાતફ્રી મચી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના માર્ગ પર ઘટનાના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બંને તરફ્ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
માર્ગની બાજુમાં જૂના વૃક્ષની વિશાળ ડાળી અચાનક તૂટી પડતાં હાઇવેનો એક ભાગ અવરોધાયો હતો. સદ્નસીબે ઘટના સમયે કોઈ વાહન સીધું ડાળીની ઝપેટમાં આવ્યું ન હોવાથી જાનહાનિ કે ઇજા ટળી હતી. જોકે ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્વે હાઇવે પર આવેલા વૃક્ષોની નડતરરૂપ અને જોખમી ડાળીઓ કાપવાની કામગીરી નિયમિત રીતે થવી જોઈએ. પરંતુ પાવી ગામ પાસે થયેલી ઘટનાએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ્ ઈન્ડિયા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાઇ છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.










