નસવાડી તાલુકાના કુકરદા ગામના આદિવાસી સમાજે વર્ષો જૂની પરંપરાને આજે પણ જીવંત રાખી છે. તા. 8 ઓગસ્ટ, 2026ના રોજ ગામદેવોની પરંપરાગત પૂજા અને ધાર્મિક વિધિ યોજાઈ હતી. જે પ્રસંગે કુકરદા સહિત આસપાસના 35 ગામના લોકો ઊમટયાં હતા. પરંપરાગત વસ્ત્રો, દેશીવાદ્યો અને આદિવાસી લોકનૃત્યથી વાતાવરણ સંસ્કૃતિના રંગે રંગાયું હતું.
કુકરદા ગામમાં વર્ષોથી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત નથી. પરંતુ કુદરત, ખેતી, વરસાદ અને પૂર્વજોની સંસ્કૃતિ સાથે ઊંડે જોડાયેલી આસ્થાનું પ્રતીક છે. ગામમાં આવેલા વિવિધ દેવસ્થાનો પર વિધિવત પૂજા કરાય છે. પરંપરા મુજબ ગામની દેવીની પૂજા કરે છે. ત્યારબાદ અન્ય દેવી-દેવતાઓની પણ પરંપરાગત ગામના પુજારા દ્વારા પરંપરાગત ધાર્મિક વિધિ પૂર્ણ કરાય છે.
કુકરદાના આદિવાસી સમાજમાં ગામદેવોની પૂજા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા છે. વરસાદના આગમન બાદ ખેતરો અને આસપાસના વિસ્તારોમાં કુદરતી રીતે લીલા શાકભાજીનો પાક શરૂ થાય છે. તેમાં ચોરી, ભીંડા, ગુવાર, ચીભડા, ખાટી ભીંડી સહિત વિવિધ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. જોકે, ગામદેવોની પૂજા પૂર્ણ થયા બાદ જ લીલા શાકભાજી આરોગવાની શરૂઆત કરે છે. આ પરંપરા દ્વારા ખેડૂતો વરસાદ, ધરતી, પાક અને કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આસપાસના 30થી 35 ગામના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને દેશી વાદ્યોના તાલે આદિવાસી લોકનૃત્યની સુંદર રજૂઆત કરી હતી.
કુકરદા ગામના આગેવાન અને સરપંચપતિ અંબાલાલ કુકરદાએ જણાવ્યું હતું કે, અમારા વડવાએ વર્ષોથી આ પરંપરા જાળવી છે. અમારી સંસ્કૃતિ અને રીત-રિવાજો આવનારી પેઢી ભૂલી ન જાય તે માટે અમે આજે પણ આ પરંપરાનું પાલન કરીએ છીએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો