ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત નસવાડી તાલુકામાં મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને અદ્યતન બનાવવા માટે કામગીરી હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે રવિવાર, તા. 25ના રોજ નસવાડી તાલુકાનાં કુલ 167 મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં બૂથ લેવલ ઓફ્સિર (બીએલઓ) ઉપસ્થિત રહી મતદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.નસવાડીના મામલતદાર વિરાજ સિંહ સિસોદિયાએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને મતદાર યાદી સુધારણા અંતર્ગત ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બીએલઓ પાસેથી કામગીરી અંગેની માહિતી મેળવી મતદારોને અપાતા માર્ગદર્શન તેમજ નવા મતદારોનાં નામ નોંધાવવા સહિતની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.મતદાર યાદી સુધારણા માટે તાલુકામાં કુલ 17 સુપરવાઇઝરની નિમણૂક કરાઇ છે. એક સુપરવાઇઝર આશરે 10 મતદાન મથકોની કામગીરીનું નિરીક્ષણ અને દેખરેખ રાખી રહ્યા છે. સુપરવાઇઝરોના માર્ગદર્શન હેઠળ બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા સંબંધિત કામગીરી હાથ ધરાઇ છે. જેથી મતદાર યાદીમાં જરૂરી સુધારાઓ સમયસર અને ચોકસાઈપૂર્વક થઈ શકે. આજે યોજાયેલ ઝુંબેશ દરમિયાન મતદારોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા તેમજ જરૂરી સુધારા કરાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. નવા મતદારોનાં નામ દાખલ કરવાં, મતદારના નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવો, પાત્રતા મુજબ મતદાર યાદીમાંથી નામ કમી કરાવવાં તેમજ રહેઠાણનું સરનામું બદલવા સહિતની કામગીરી કરાઇ રહી છે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. મતદાર યાદી સુધારણા અંતર્ગત તા.11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશના દિવસો નિર્ધારિત કરાયા છે. આ દિવસોમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથકો પર બીએલઓની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકામાં કુલ 1,12,793 મતદારો નોંધાયેલા છે. જેમાં 57,777 પુરુષ મતદારો અને 55,016 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો