વિકાસના મોટા દાવા વચ્ચે ક્યારેક કોઈ ગામ એવી પ્રેરણાદાયી કથા લખી જાય છે. જે સરકારી અહેવાલોમાં નહીં પરંતુ સીધા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. કવાંટ તાલુકાની સમલવાટ ગ્રામ પંચાયતના ધનીવાડા ગામે પણ આવી જ ગૌરવશાળી અને પ્રેરણાદાયી ગાથા રચાઈ છે. જ્યાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગામની જાગૃત યુવાની વિજયી બની છે.
ધનીવાડા ગામના ઉચલા ફ્ળિયાના મુખ્ય કોન્ક્રીટ માર્ગમાં છેલ્લા 4 વર્ષથી મોટું પોલાણ પડયું હતું. આ માર્ગ માત્ર એક રસ્તો નથી. પરંતુ ગામની સાચી જીવનરેખા છે. ખેડૂતો પોતાના પાક સાથે, પશુપાલકો દૂધ લઈને, માસૂમ વિદ્યાર્થી ભવિષ્યના સપનાઓ સાથે અને સામાન્ય ગ્રામજનો પોતાના રોજિંદા કામો માટે આ જ માર્ગેથી પસાર થાય છે. પરંતુ રસ્તાની બાજુએ પડેલા આ જોખમી પોલાણ અને ધોવાણે દરેક સફરને અકસ્માતના ભયના ઓથાર હેઠળ લાવી દીધી હતી. છેલ્લા 4 વર્ષ દરમિયાન ગ્રામજનો દ્વારા સ્થાનિક સુધરાઈથી લઈને ઉચ્ચ વહીવટી તંત્ર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી. દરેક વખતે તંત્ર તરફ્થી આશાનું આશ્વાસન મળ્યું હતું. પરંતુ વાસ્તવમાં કામનો એક પણ કંકર રસ્તા પર પડયો નહીં. અનેક રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂં ન રેંગી. અંતે ગામના યુવાનો વચ્ચે એક જ સવાલ ઉઠયો કે, જ્યારે આપણું ગામ આપણું છે, તો રસ્તો પણ આપણે જ કેમ નહીં સુધારીએ ? આ એક જ વિચાર ગામમાં ચિનગારી બન્યો હતો. અને જોતજોતામાં આખું ગામ એક મંચ પર આવ્યું હતું. યુવાનોએ પોતાના રોજગાર, ખેતી અને અંગત કામોને થોડા સમય માટે વિરામ આપ્યો હતો. કોઈએ કામ માટે મશીનરી આપી તો, કોઈએ આર્થિક સહયોગ આપ્યો હતો તો કોઈએ પોતાના હાથનો પરસેવો વહાવ્યો હતો. પાવડા, કોદાળી અને તગારાં સાથે શરૂ થયેલો આ શ્રામયજ્ઞ થોડા જ સમયમાં લોકસહભાગિતાના ઉત્સવમાં પરિવર્તિત થયો હતો. ગામના યુવાનોએ પોતાના અંગત ખર્ચે પાંચ ટ્રેક્ટર મેટલ અને જરૂરી પુરાણ સામગ્રી મંગાવી હતી. સામૂહિક શ્રામદાન કરીને રસ્તાના પોલાણને વ્યવસ્થિત ભરી માર્ગને ફરી એકવાર સંપૂર્ણ સલામત બનાવી દીધો હતો.
