છોટાઉદેપુર : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે છોટાઉદેપુરની ધરતી પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડાને વંદન કરી સૌને શુભકામના પાઠવી હતી. છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોના બલિદાન અને અમૂલ્ય યોગદાનને દેશ સમક્ષઉજાગર કરવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વર્ષ-2007માં શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે. હવે આગામી પાંચ વર્ષમાં જનજાતિય ક્ષેત્રો માટે રૂા.2 લાખ કરોડના વિકાસકામોનું આયોજન હાથ ધરાયું છે. મુખ્યમંત્રીએ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂા.231 કરોડના વિકાસકામો અને વ્યક્તિગત લાભો આપી સામાજિક-આર્થિક દિશામાં નવું કદમ ઉઠાવ્યું હતું. આદિજાતિ વિસ્તારોના શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પરિવર્તનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે આદિવાસી પટ્ટામાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી, 12 મેડિકલ કોલેજ અને 57 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ કાર્યરત છે. સાથે 22,500થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ તથા 18,800થી વધુ વન અધિકાર પત્રો એનાયત કરીને આદિવાસી યુવાનો અને પરિવારોને સશક્ત બનાવ્યા છે. આ પ્રસંગે સ્થાનિક રોજગારી વધારવા શબરી બુથ અને જોહાર કાફેની નવતર પહેલનો પ્રારંભ કરાયા હતો. છોટાઉદેપુરને સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે વિકસાવી સ્થાનિક રોજગારીના નવતર દ્વાર ખોલાશે. ઉપસ્થિત સૌએ મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી ખાતે રાષ્ટ્રકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રાજ્યકક્ષાના સમારોહમાં સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
