છોટાઉદેપુર જિલ્લાના ત્રિ-દિવસીય પ્રવાસે આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કવાંટ નગરમાં આગમન થતાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પરંપરાગત આદિવાસી નૃત્ય અને ઢોલના નાદ સાથે તેમનું સ્વાગત કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના નવસાડી ચોકડી ખાતે પહોંચીને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વંદન કર્યા હતા. ત્યારબાદ તેઓ બળદગાડામાં સવાર થયા હતા. પોતે બળદગાડું હંકારી રોડ શોમાં જોડાયા હતા. દરમિયાન કવાંટના નગરજનો દ્વારા રસ્તાની બંને બાજુથી ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કવાંટની સૈડીવાસણ ચોકડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાંજલિ કરી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ, શૌર્ય, બલિદાન તેમજ આદિવાસી સમાજના હક અને અધિકારો માટેના તેમના સંઘર્ષને યાદ કરાયો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કવાંટ ખાતે આવેલા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં બેઠકનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીના કવાંટ પ્રવાસ દરમિયાન આદિવાસી પરંપરા, સંસ્કૃતિ અને લોકભાગીદારીની સુંદર ઝલક જોવા મળી હતી. નગરમાં તેમનાઆગમનને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
