છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ કુકરદા ગામના જંગલ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ડુંગરાળ વિસ્તારમાં બે થી ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ લાગી હોવાથી જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ અને સ્થાનિક ગ્રામજનો આગ ઠારવા માટે તાત્કાલિક દોડી ગયા હતા.

જંગલ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ

આગ ડુંગર પર હોવાથી ફાયર ફાઈટર પહોંચવા મુશ્કેલ હતા, જેથી વન વિભાગની ટીમ જનરેટર અને એર ગન મશીન જેવા આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે પવન અને સૂકા પાંદડાઓને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, પરંતુ વન કર્મીઓ અને ગ્રામજનોની કલાકોની જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ટિખળખોરો સામે ગ્રામજનોમાં રોષ

જંગલ વિસ્તારના વૃક્ષો અને વન્યજીવોની સુરક્ષા કરતા સ્થાનિક ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ ટિખળખોરોએ જાણીજોઈને પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે જંગલમાં આગ લગાવી હોઈ શકે છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી કિંમતી વન સંપત્તિ ખાખ થઈ રહી છે.

આ પણ વાંચો: Kheda: ભગુપુરા અંડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત, લોડિંગ ટ્રકની ટક્કરે બાઈક ચાલકની હાલત ગંભીર