જિલ્લાના ખાણ ખનિજ વિભાગે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ખોટા ડિલિવરી ચલણ (Delivery Challan) નો ઉપયોગ કરી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રકોને ઝડપી પાડ્યા છે. આ મામલે તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં એક મહિના જૂના ચલણને સાચા તરીકે દર્શાવી સરકારની તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.


એક મહિના જૂના ચલણનો ખેલ

ખાણ ખનિજ વિભાગની ટીમે જ્યારે ડોલોમાઇટ ભરીને જતી ટ્રકોને અટકાવીને તપાસ કરી, ત્યારે ડ્રાઈવરોએ રજૂ કરેલા ડિલિવરી ચલણ શંકાસ્પદ જણાયા હતા. ઊંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ ચલણો એક મહિના પહેલા અન્ય એક ડોલોમાઇટ ફેક્ટરી દ્વારા ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. આ જૂના ચલણોનો સાચા તરીકે ઉપયોગ કરીને આરોપીઓ ગેરકાયદેસર રીતે ખનિજનું વહન કરી રહ્યા હતા.

ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

ખાણ ખનિજ વિભાગે તપાસ બાદ સંખેડા પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કૌભાંડમાં સામેલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે: 1. ઇનોશભાઈ અરવિનભાઈ રાઠવા (ટ્રક ડ્રાઈવર) 2. નરેશભાઈ કાગડાભાઈ રાઠવા (ટ્રક ડ્રાઈવર) 3. અશોક અજમેરા 4. માનવ અજમેરા

કડક કાર્યવાહીની તજવીજ

સંખેડા પોલીસે આ ચારેય આરોપીઓ સામે છેતરપિંડી અને ખનિજ ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ મોટી ગેંગ કે ફેક્ટરી માલિકોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાણ ખનિજ વિભાગની આ કામગીરીથી ગેરકાયદેસર ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gir Somnath: ઝાંઝરીયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

  • Follow us on: