છોટાઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર સિહોદ પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. જેને લઈને જિલ્લાવાસીઓને હવે 40 કિલોમીટરનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર સિહોદ પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન આજે ભારજ નદીમાં પૂર આવતા ધોવાઈ ગયું છે. આ ડાયવર્ઝન ધોવાઈ જતા જિલ્લા મથક છોટાઉદેપુર સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. આ ડાયવર્ઝન ધોવાઈ જતા જિલ્લાવાસીઓ 40 કિ.મીનો ફેરાવો ફરવા મજબુર બન્યા છે.
ત્રણ વર્ષ પહેલા ભારજ નદીનો પુલ તૂટી જતા રસ્તો થયો બંધ
29 જુલાઈ 2023ના રોજ ભારજ નદી પરના પુલનો એક પિલર બેસી જતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. ત્યારબાદ 2024માં પુલનો એક ભાગ આખો ધરાશાયી થઈ જતા વાહનવ્યવહાર સદંતર બંધ કરાયો હતો. આ 3 વર્ષ દરમિયાન બે વખત રૂા.2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું. જે ચોમાસામાં પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું. બીજી વખત રૂા.4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું. તે પણ ચોમાસામાં પહેલા વરસાદમાં ધોવાઈ ગયું હતું. ત્રીજી વખત એટલે કે 6 મહિના પહેલા શિયાળામાં માટી પુરાણ કરીને ડાયવર્ઝન બનાવાયું હતું. જે આજરોજ તૂટી જતા જિલ્લાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારજ નદી પરનું ડાયવર્ઝન તૂટી જતા જિલ્લાવાસીઓને ફરીથી 40 કિ.મીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. હાલ તો પાવી જેતપુરથી બોડેલી જવા માટે ડુંગરવાંટ, વાંકી, સિહોદ થઈને બોડેલી જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે અન્ય વૈકલ્પિક રસ્તો પાવી જેતપુર વન કૂટીરથી રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈને બોડેલી છે. પરંતુ. આ રસ્તા પર નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેને લીધે અવરજવરમાં ભારે મુશ્કેલી પડશે. તે વિચાર માત્ર લોકોને હેરાન પરેશાન કરી નાખે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો