ચીખલીમાં દિવાળીના તહેવારને ધ્યાને લઈ ચીખલી-વાંસદા મુખ્ય માર્ગ ઉપર હાઇવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા પામી છે. પોલીસ દ્વારા ભારે વાહનોને કોલેજ સર્કલ અને હાઈવે ચાર રસ્તાથી ડાયવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત થાય તેમ છે.

ચીખલીમાં ચીખલી-વાંસદા મુખ્ય માર્ગ પર હાઈવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધીના અંતરમાં ઠેર ઠેર આડેધડ પાર્કિંગ, લારી-ગલ્લાવાળાઓના દબાણને પગલે ડેપો સર્કલ, સાંઈ ડેરી, બગલાદેવ સર્કલ, સર્કિટ હાઉસ અને કોલેજ સર્કલ સહિતના વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે અને ખાસ કરીને ડેપો અને બગલાદેવ સર્કલ પાસે તો ટ્રાફિકની સ્થિતિ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની જતી હોય છે, તેવામાં ભારે વાહનોને પગલે ટ્રાફિકની સ્થિતિ વધુ જટિલ બનતી હોય છે. આ વિસ્તારમાં ઘણી જગ્યાએ તો રોડનો એક ટ્રેક તો આડેધડ પાર્કિંગથી જ રોકાયેલો હોય છે. હાલે દિવાળી નવા વર્ષ તહેવાર ટાણે લોકોની અવરજવર વધી જતી હોય તેવામાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અંગત રસ દાખવી મુખ્ય માર્ગ ઉપર ક્વોરી વિસ્તાર અને વાંસદા તરફથી આવતા ભારે વાહનોને કોલેજ સર્કલથી વસુધારા ડેરી આલીપોર હાઈવે તરફ ડાયવર્ટ કરવામાં આવે અને હાઈવે ચાર રસ્તાથી કોલેજ તરફ પ્રવેશતા વાહનોને પણ અટકાવી વસુધારા ડેરી તરફ ડાયવર્ટ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવે તો વાહન વ્યવહાર સરળતાથી વહન સાથે લોકોને ટ્રાફિકમાં મોટી રાહત થાયતેમ છે.