ચોટીલા : મા નવદુર્ગાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તા. 15મી ઓક્ટોબર, ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે ચોટીલા ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટમાં 'નવરાત્રી શક્તિ પર્વ-2026' ધામધૂમથી ઉજવાશે. આ સાંસ્કૃતિક સંધ્યામાં ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય કલાકારો દિવ્યેશ જેઠવા, ઋજુ જાદવ તેમજ રૂપલબેન ગૌસ્વામી પોતાના સુમધુર સૂર, સંગીત અને ગરબાના તાલથી ખેલૈયાઓ તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કરશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભક્તિસભર પર્વમાં સહભાગી થવા માટે જિલ્લાના તમામ ધર્મપ્રેમી નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ગરબા રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મા આદ્યાશક્તિની આરાધનાના ઉત્સવને માણવા માટે અનુરોધ કર્યો છે.