ચોટીલા તાલુકા ગ્રામ્યનો ત્રિવેણી ઠાગા ડેમ તાજેતરના ભારે વરસાદ તેમજ ઉપરવાસના પાણીની આવકથી મંગળવારે ફરીથી બપોરે 2 કલાકે 0.05 ફૂટ ઓવરફ્લો થયો છે. ડેમની હાલની સપાટી 18.06 ફૂટ નોંધાઈ છે અને ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 100 ટકા ભરાયેલ છે. હાલમાં ડેમમાં 186 ક્યુસેક પાણીની આવક-જાવક ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ત્રિવેણી ઠાગા ડેમની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડેમમાં પાણીની આવક-જાવક, ઓવરફ્લોની સ્થિતિ તેમજ નીચાણવાળા ગામોની સુરક્ષા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. ડેમના નીચાણવાળામાં આવેલા ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોના નાગરિકોએ સંપૂર્ણ સાવચેતી, ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ જરૂર જણાય તો માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ બાળકો અને પશુઓને નદીની નજીક ન જવા દેવા અપીલ કરી હતી. સંબંધિત ગામોના સરપંચ, તલાટી-કમ-મંત્રી તથા અન્ય સ્થાનિક અધિકારીઓને નદીકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવા, ગ્રામજનોને સમયસર સાવચેત કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા સૂચના આપી હતી.
