સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની પવિત્ર યાત્રાધામ ચોટીલામાં શનીવારે ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના શહેરી વિકાસ મંત્રીએ તીરંગો લહેરાવ્યો હતો. આ તકે તેઓએ જણાવ્યુ કે, આપણા દેશની ભુમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શુરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે.
આઝાદ ભારત દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રભરમાં શનીવારે થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ચોટીલાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના પ્રભારી અને રાજયના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ તીરંગો લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. આ તકે તેઓએ દેશની સ્વતંત્રતા માટે જાન ન્યૌછાવર કરનારા દેશના પરાક્રમી સપુતો, અનેક નામી-અનામી દેશભકત શહીદોનું સ્મરણ કરી તેમને શ્રાધ્ધાંજલી પાઠવતા જણાવ્યુ કે, આપણા દેશની ભુમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શુરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. આ તકે જિલ્લા કલેકટર કલેકટર જી.એચ.સોલંકી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધીકારી ડો. કે.એસ.યાજ્ઞીક, એસપી પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધીકારી એચ.ટી.મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા સહિતનાઓ દ્વારા જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓના પરીવારજનોનું સુતરની આંટી ને શાલથી સન્માન કરાયુ હતુ. આ ઉપરાંત જિલ્લામાં વીશીષ્ટ યોગદાન આપનાર અધીકારીઓ, કર્મચારીઓ, વ્યકતીઓ, સંસ્થાઓનું બહુમાન કરાયુ હતુ. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વીવીધ સાંસ્કૃતીક કૃતીઓ રજુ કરાઈ હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ અને વીવીધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નીદર્શન કરાયુ હતુ.
