ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને પવનના કારણે સર્જાતા વીજ ફેલ્ટનું ઝડપી નિરાકરણ લાવી ખેડૂતો તથા નાગરિકોને સમયસર વીજ પુરવઠો મળી રહે તે હેતુસર નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને PGVCના ચોટીલા વિભાગના ચારેય ડેપ્યુટી એન્જિનિયર સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન નાયબ કલેક્ટરશ્રીએ ખાસ સૂચના આપી હતી કે ચોમાસાની સિઝનમાં કોઈપણ ફેલ્ટ સર્જાય તો તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી શક્ય તેટલા ઓછા સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે. ખાસ કરીને કૃષિ ફીડર પર ફેલ્ટ સર્જાય ત્યારે ખેડૂતોને લાંબા સમય સુધી વીજળી વિના ન રહેવું પડે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વીજ લાઇનને અડચણરૂપ બનતા વૃક્ષોના ટ્રી કટીંગ અને ટ્રિમિંગનું બાકી રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ વરસાદી મોસમ દરમિયાન જરૂરી માનવબળ અને સાધનો સાથે સંપૂર્ણ સજ્જ રહેવા PGVCL અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ નાથાભાઈ સંઘાણી, ચોટીલા અને થાનગઢના મામલતદાર, સામાજિક આગેવાન પ્રદીપભાઈ ખાચર સહિત સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
