ચોટીલા ડેપ્યુટી કલેકટર હાઇવે વિસ્તારમાં ચેકીંગમાં હતા ત્યારે શંકાસ્પદ ટ્રકમાં તપાસ કરતા સરકારી અનાજનો 20 હજાર કિલો જથ્થો ગેરકાયદેસર વેચાણ માટે ગાંધીધામ જતા સમયે ઝડપી કાર્યવાહી શરૂ કરતા ચકચાર મચી ગઇ છે.  

સરકારી અનાજના અમુક પરવાનેદારો અને અધિકારીઓની મીલીભગતથી અનેક વખત જરૂરીયાતમંદ લોકોને પુરતો જથ્થો મળતો નથી.એવામાં ગામડાઓમાંથી ઉઘરાવી મોટાપાયે સરકારી જથ્થો વેચાણ કરવા જતા સમયે ચોટીલા ડેપ્યુટી કલેકટરે ભાંડો ફોડી નાખ્યો છે. ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા જશદણ હાઇવે ઉપર હતા એ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં ટ્રક પસાર થતા ઉભી રાખી ભરેલ સામાનના બીલો માંગતા રજુ નહી કરતા તેઓએ અંદર તપાસ કરતા સરકારી ચોખા મળી આવ્યા હતા. જેથી આ ડ્રાઇવરની પ્રાથમીક પુછપરછમાં ચોટીલાના ધારઇના સિધ્ધરાજભાઇ મંગળુભાઇ ધાંધલ અનાજ સગેવગે કરવાનું કામ કરતા હોવાનું અને આ સરકારી ચોખા વીંછીયા તાલુકાના અલગ અલગ ગામડામાંથી ભેગા કરી ગાંધીધામ લઇ જવાતા હોવાનું ખુલ્યુ હતુ. આમ ડેપ્યુટી કલેકટરે 450 કટા 20 હજાર કિલો ચોખા કિમત રૂપીયા વીશ લાખ અને દશ લાખની ટ્રક મળી કુલ ત્રીસ લાખ રૂપીયાનો મુદમાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.