ચોટીલાના માં ચામુંડાના જયાં બેસણા છે તેવા ચોટીલા ડુંગર પર દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે. ચોટીલા ડુંગર પર હોળી પ્રાગટય બાદ જ ચોટીલા શહેર તથા આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. ત્યારે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તા. 2જી માર્ચે હોળીકા દહનનું આયોજન કરાયુ છે.

ઝાલાવાડમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલ મા ચામુંડાનું ધામ ચોટીલા હજારો ભકતોનું આસ્થાકેન્દ્ર છે. દર રવીવારે અને પુનમે અહીં માનવ મહેરામણ માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડે છે. ચોટીલા ડુંગર પર દર વર્ષે હોળીના દિવસે સાંજે હોળી પ્રગાટવી હોળીકા દહનનું આયોજન કરાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચોટીલા ડુંગર પર હોળી પ્રાગટય થાય ત્યારબાદ જ ચોટીલા શહેર તથા આસપાસના ગામો અને ઠાંગા પંથકમાં હોળીકા દહન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભકતોને જાણકારી મળે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તા. 24મીને મંગળવારે એક યાદી જાહેર કરાઈ છે. જેમાં તા. 2જી માર્ચને સોમવારે સંધ્યા આરતી બાદ હોળીના દર્શન ભકતો ડુંગર પર કરી શકશે. આ દિવસે દર્શન માટે પગથીયાના દ્વાર સવારે 5 કલાકે ખુલશે અને 5-30 કલાકે મંગળા આરતી થશે. જયારે તા. 3 માર્ચને મંગળવારે પુનમ નીમીત્તે પગથીયાના દ્વાર રાત્રે 2-30 કલાકે ખુલશે અને 3 કલાકે મંગળા આરતી થશે. પુનમના દિવસે ચંદ્રગ્રહણના દિવસે તા.3જી માર્ચે પણ ભાવિકો રાબેતા મુજબ સમગ્ર દિવસ દરમિયાન માતાજીના દર્શન કરી શકશે.