પ્રકાશ અને ઉજાસના મહાપર્વે ડભોઇની વેગા ચોકડી પર અને ડભોઇથી બોડેલી તરફ્ જતા મુખ્ય ઓવરબ્રિજ પર લગાવેલી તમામ 210 જેટલી સોલાર સ્ટ્રીટ લાઇટ્સ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે, દિવાળીના તહેવારમાં પણ ઓવરબ્રિજ અંધકારમય બની રહ્યો હતો. સ્ટેટ હાઇવે સત્તાવાળાઓ વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો હતો. દિવાળી એટલે ઘરો અને રસ્તાઓને રોશનીથી શણગારવાનો તહેવાર, પરંતુ સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓની નિષ્કાળજીને કારણે વાહનચાલકોને અંધારામાં જ પસાર થવાનો વારો આવ્યો છે. લાખોના ખર્ચે નાખેલ સોલાર લાઇટ્સ શોભાના ગાંઠિયા સમાન બની હતી. રાત્રિના સમયે ઓવરબ્રિજ પર ઘોર અંધારું છવાયેલું રહેતું હોવાથી અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિકો અને અવરજવર કરતા વાહનચાલકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળે છે. આગામી દેવદિવાળીના પર્વ પહેલાં વહીવટી તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ તમામ 210 સોલાર લાઇટ્સનું સમારકામ કરાવી બ્રિજને ફરીથી ઝળહળતો કરે તેવી માંગ કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો