ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે હાલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલે છે. આ કામના રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇટ પર કોઈ પણ પ્રકારના રેડિયમવાળા લાલ કે, પીળા સિગ્નલ અથવા તો સાઇન બોર્ડ મૂકાયા નથી. આ ઘોર બેદરકારીને કારણે શુક્રવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકને અંધારામાં અચાનક ડાયવર્ઝન કે, બાંધકામ ન દેખાતા કાર પલટી ગઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ડાયવર્ઝન કે જોખમી જગ્યા પર કોઈ લાલ લીલી પટ્ટી, રેડિયમ કે લાલ લાઇટ લગાડાઇ નથી, રાત્રિના સમયે વાહનચાલકોને રસ્તો દેખાતો નથી. જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. અતિ વ્યસ્ત માર્ગ આ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજ ચાણોદ, કરનાળી, રાજપીપળા અને પોઇચા તરફ્ જતા હજારો વાહનો પસાર થાય છે. હજારો લોકોની અવરજવરવાળા આ હાઇવે પર તંત્ર હજુ પણ કેટલી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? શું રેલવે તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હવે જાગશે. વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે અહીં તાત્કાલિક ધોરણે રેડિયમ પટ્ટી અને લાલ સિગ્નલ લાઇટો લગાવવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવીને ભવિષ્યમાં અકસ્માતો અટકાવી શકાય.