ડભોઇ શહેર અને ગ્રામ્ય પંથકમાં અચાનક જ વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી મારતા સ્થાનિક લોકો ચોમાસું વહેલું સક્રિય થવાના એંધાણ મળતાં જ લોકોએ પોતાના આશિયાનાને વરસાદથી સુરક્ષિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને પગલે છેલ્લા બે દિવસથી ડભોઇ શહેરના મુખ્ય બજારો, ખાસ કરીને ટાવર વિસ્તાર અને સ્ટેશન રોડ પર આવેલા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ડભોઇ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે અત્રેના બજારમાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ અનેક પરિવારો કાચા-પાકા મકાનો નળિયાવાળા ઘરો કે પતરાના છાપરામાં રહે છે. ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ના ટપકે તે માટે લોકો આગોતરા આયોજનના ભાગરૂપે પ્લાસ્ટિકના તાડપત્રીની ખરીદી કરી રહ્યા છે. જેને પગલે ડભોઇના પ્લાસ્ટિક બજારમાં હાલ ધૂમ વેચાણ થઈ રહ્યું છે.










