ડભોઇ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સિતપુર ગામ ખાતે વર્ષો પુરાણું શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરનું તાજેતરમાં જ ભવ્ય રિનોવેશન (જીર્ણોદ્ધાર) કાર્ય પૂર્ણ કરાયું છે. આજે સુશોભિત અને નવનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાતાં જ વહેલી સવારથી જ દર્શનાર્થે શ્રાદ્ધાળુની જનમેદની ઊમટી પડી હતી.
ત્યારે ગૌરીવ્રતના પ્રારંભે બાળાઓને પૂજા કરવા માટે ટ્રેક્ટરમાં બેસીને જવું પડયું હતું. હાલમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે મંદિર પરિસર અને આસપાસના માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ) ન હોવાને કારણે રસ્તા જળમગ્ન બન્યા છે. સૌથી કફેડી સ્થિતિ પવિત્ર ગૌરી વ્રત/પૂજન માટે નીકળેલી નાની કન્યાઓ અને બાળકોની થઈ હતી. ગૌરી મંદિર સુધી જવા માટે ચાલવાનો રસ્તો પણ ન બચતાં, વાલીઓએ અને ગ્રામજનોએ મજબૂરીવશ બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને પાણીમાંથી મંદિરે પહોંચાડવા પડયા હતાં ગામમાં ધાર્મિક પ્રસંગ હોવા છતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાની અને નિકાલની કોઈ સુવિધા ન હોવાની પરિસ્થિતિને કારણે સમગ્ર સિતપુર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, બાળકોને પૂજા-અર્ચના કરવા જવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે ખૂબ જ શરમજનક બાબત છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભરાયેલા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.
