પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈ ડભોઇ પંથકમાં ધાર્મિક માહોલ છવાયો છે. ત્યારે ડભોઇના હરિહર આશ્રામના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાતી કાવડયાત્રાની તડામાર તૈયારી શરૂ કરાઇ છે. આ વર્ષે કાવડ યાત્રા 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ કરશે.
કાવડયાત્રા દરમિયાન ભક્તો પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી ડભોઇ તરફ્ પ્રયાણ કરશે. તા. 12 ઓગસ્ટ, 2026ની રાત્રે કાવડ યાત્રિકો ચાંદોદ ખાતે પહોંચશે. ત્યારબાદ તા. 13 ઓગસ્ટે વહેલી સવારે શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે નર્મદા સ્નાન કરી કાવડમાં નર્મદા જળ ભરી ડભોઇ તરફ્ પ્રસ્થાન કરશે. ડભોઇ ખાતે પહોંચ્યા બાદ કાવડ યાત્રિકો દ્વારા શહેરના વિવિધ પૌરાણિક તથા ઐતિહાસિક શિવાલયોમાં નર્મદા જળથી જળાભિષેક કરવામાં આવશે. ભગવાન શિવની ભક્તિ અને શ્રાદ્ધાથી યોજાતી આ કાવડ યાત્રામાં દર વર્ષે 100થી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાય છે. 26 વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આ વર્ષે 27મા વર્ષમાં પ્રવેશી રહી હોવાથી આયોજકો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાવડ યાત્રાને સફ્ળ બનાવવા માટે યુવાનો તેમજ આયોજકો દ્વારા વિવિધ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
