ડભોઈ શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે લાંબા સમયથી જરૂરી ગણાતી સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા મંજૂરી અપાઇ છે. તા. 8 ઓક્ટોબર, 2026ના મંજૂરી હુકમ મુજબ યોજનાની કુલ અંદાજિત ગ્રોસ રકમ રૂ.46.73 કરોડ નક્કી કરાઇ છે.
ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તૈયાર કરાયેલા વિગતવાર DPRના આધારે આ યોજના તૈયાર કરાઇ છે.યોજનામાં 5.91 કિ.મી. સ્ટોર્મ વોટર બોક્સ ડ્રેઇન માટે રૂા.12.50 કરોડથી વધુ તથા 20.40 કિ.મી. RCC પાઈપ ડ્રેઇનમાટે રૂ.16.40 કરોડથી વધુની જોગવાઈ કરાઇ છે. ઉપરાંત રોડ ક્રોસિંગ,રોડ-કેનાલ ક્રોસિંગ, બોક્સ કલવર્ટ, ચેનલ ગ્રેટિંગ અને કેચમેન્ટ ચેમ્બર સહિતના કામોનો સમાવેશ કરાયો છે. યોજનાની કુલ નેટ રકમ રૂા.38.62 કરોડ, તેના પર 18 ટકા GST રૂા.6.95 કરોડ અને 3 ટકા કન્ટીજન્સી રૂા.1.15 કરોડ સહિત કુલ ગ્રોસ રકમ રૂા.46.73 કરોડ થાય છે.સરકાર દ્વારા યોજનાની અગત્યતાનેધ્યાનમાં રાખીને અમલવારી પૂર્વે જરૂરી વધારાની તકનિકી તથા વહીવટી મંજૂરી મેળવવાની શરતે આ સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ખાતે ઉપલબ્ધ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરાશે. યોજનાની અમલવારી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ મારફ્તે કરવાની રહેશે. વહીવટી મંજૂરી મળ્યાં બાદ 18 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત પણ મંજૂરી હુકમમાં રખાઇ છે.વિગતવાર સર્વેક્ષણ,DPR, અંદાજ અને નકશા રજૂ કરવાની પણ જોગવાઈ કરાઇ છે.
