ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરે ભારે તબાહી મચાવી છે. ઉપરવાસમાં દેવ ડેમમાંથી તંત્ર દ્વારા અચાનક પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી. પરિણામે નદી કાંઠાના આશરે 10થી વધુ ગામોના ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે ખેતરોમાં સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પૂરના પાણી ખેતરોમાં લાંબો સમય ભરાઈ રહેવાને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફ્ટકો પડયો છે. મરચી, કપાસ અને વિવિધ શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભો પાક સંપૂર્ણપણે કોહવાઈને ધોવાતાં 500થી 600 વીઘા જમીન પરનો પાક નષ્ટ થયો છે. સ્થાનિક ખેડૂતોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, છેલ્લા 3 વર્ષથી દેવ ડેમમાંથી પૂર્વ સૂચના કે યોગ્ય જાણ કર્યા વગર જ અચાનક પાણી છોડી દેવાય છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને પાક કે સાધન-સામગ્રી બચાવવાનો સમય પણ મળતો નથી. તંત્રની બિનજવાબદાર નીતિને કારણે દર વર્ષે જગતના તાતને આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવે છે. તાલુકાનાગોજાલી, કરાલી, કરાલીપુરા, ઢોલાર, કડોદરા ,અદલાપુરા, વાયકપુર, ભીલાપુરી, અંબાવ, બનાયોમાં પાણી ઓસર્યા બાદ ખેતરોમાં માત્ર નિરાશા અને તબાહી જ બચી છે.
