ડભોઇથી સાઠોદ વચ્ચે નર્મદા કેનાલ પર ચાલતી નાળાની કામગીરી વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની છે. ડભોઇ-શિનોર ચોકડી પાસે વિકાસકાર્યમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં માટી નાખી છે. પરંતુ તેના પર પાણીનો છંટકાવ ન કરાતા સમગ્ર હાઇવે ધૂળની ડમરીમાં ગરકાવ થયો છે.


આ માર્ગ માત્ર ડભોઇ અને રાજપીપળાને જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ તીર્થધામ ચાણોદ, કરનાળી અને શિનોર જેવા મહત્વના વિસ્તારોને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે છે. આ રૂટ પરથી રોજના હજારો નાના-મોટા વાહનો અને એસ.ટી. બસો પસાર થાય છે. હાલમાં ઉડતી અસહ્ય ધૂળના કારણે આ વિસ્તારમાંથી પસાર થવું એ જીવના જોખમ સમાન બન્યું છે. રસ્તા પર ઉડતી ધૂળના જાડા થરના કારણે વિઝિબિલિટી (જોવાની ક્ષમતા) શૂન્ય થઈ જાય છે. વાહનચાલકોને સામેથી આવતું વાહન પણ દેખાતું નથી. જેના કારણે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાય છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, નિયમ મુજબ નિર્માણ કાર્ય ચાલતું હોય ત્યાં ધૂળ ન ઉડે તે માટે સતત પાણીનો છંટકાવ કરવો અનિવાર્ય છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિતપણે ટેન્કર ફેરવીને પાણી છાંટવામાં આવે, તો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવી શકે તેમ છે. પરંતુ પોતાના આર્થિક ફયદા કે આળસને કારણે કોન્ટ્રાક્ટર પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરી રહ્યો છે. ધૂળની ડમરીઓને કારણે માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ રોડની આસપાસ રહેતા રહીશો અને દુકાનદારો પણ પરેશાન છે. ચોવીસ કલાક ધૂળ શ્વાસમાં જવાથી લોકોને ઉધરસ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ્ જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ નિષ્કાળજી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: