દિવાળી પર્વ નિમિત્તે કાળી ચૌદશના પાવન દિવસે ડભોઇ વિભાગ હાઇસ્કૂલ નજીક બિરાજમાન ઐતિહાસિક કાળભૈરવ દાદાના મંદિરે પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો હતો. આ પવિત્ર અવસરે દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ સમગ્ર ડભોઇ નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર-દૂરથી હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઊમટી પડયા હતા. કાળી ચૌદશના મહાપર્વ નિમિત્તે કાળભૈરવ દાદાના મંદિરે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસર જય કાળભૈરવના નારાઓથી ગુંજી ઊઠયું હતું. ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહી શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર આસપાસ ભરાયેલા લોકમેળામાં ઉત્સાહ અને રોનક જોવા મળી હતી. મેળાના મેદાનમાં બાળકો માટે રમકડાં, મહિલાઓ માટે ઘરવખરી અને શણગારની વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ દર્શન કરવાની સાથે સાથે પાણીપુરી, ચાટ, આઈસ્ક્રીમ અને પરંપરાગત વાનગીઓની મજા માણી હતી અને મેળામાં ખરીદીનો ભરપૂર આનંદ લીધો હતો. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં સમગ્ર પરિસરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. તહેવારના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે સ્થાનિક વ્યવસ્થાપકો અને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ વ્યવસ્થા કરાઇ હતી. મોડી રાત સુધી ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે કાળી ચૌદશના મેળાની ઉજવણી સંપન્ન થઈ હતી.
