ડભોઇ : બેંક ઓફ્ બરોડા, બરોડા સિટી-II રિજિયન દ્વારા કિસાન પખવાડા 2026 અંતર્ગત ડભોઈ તાલુકા ખાતે કિસાન સંમેલનનું આયોજન કરાયું હતું.જેમાં 121 ખેડૂતોને કુલ રૂા. 8.70 કરોડની મંજૂર થયેલી લોનના મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. કિસાન પખવાડા અંતર્ગત ખેડૂતોને બેંકની વિવિધ કૃષિ લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, કૃષિ યાંત્રિકીકરણ, પશુપાલન, ડેરી તેમજ સરકાર દ્વારા સંચાલિત સબસિડીવાળી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી. સાથે ખેડૂતોને સાયબર સુરક્ષા, નાણાકીય સાક્ષરતા અને સેચ્યુરેશન સ્કીમ સહિતની બાબતોની પણ જાણકારી પૂરી પાડી હતી. મુખ્ય અતિથિ તરીકે બરોડા ઝોનના ડેપ્યુટી જનરલ મેનેજર લક્ષ્મીકાંતે જણાવ્યું હતું કે, બેંક ઓફ્ બરોડાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. કિસાન પખવાડાએ બેંકની સેવાઓને સીધી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે. જેના દ્વારા ખેડૂતો આધુનિક ખેતી અપનાવીને પોતાની આવકમાં વધારો કરી શકે છે. કાર્યક્રમમાં રિજિયનલ હેડ ગણેશકુમાર કેડિયાએ જણાવ્યું હતું કે, બરોડા સિટી-II રિજિયનની તમામ શાખામાં કિસાન પખવાડા દરમિયાન કિસાન ચૌપાલ, લોન શિબિર, નાણાકીય સાક્ષરતા અને કિસાન સન્માન કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. વડોદરાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અમિત કુમારે પણ કાર્યક્રમને સંબોધતા જિલ્લામાં કાર્યરત વિવિધ સરકારી યોજના અને બેંકોના સહયોગથી ખેડૂતોને મળતા લાભો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં 200થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, વિવિધ શાખાના બ્રાન્ચ હેડ્સ અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો