ડભોઇ તાલુકાના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી બનાવેલી ધરમપુરી પ્રશાખા નહેર (સાંકળ 5584 મી.) હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને યોગ્ય દેખરેખના અભાવે બદહાલ સ્થિતિમાં મુકાઈ છે. નહેર અને તેની આસપાસના ભાગમાં મોટા પાયે બાવળ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળતાં નહેરનું અસ્તિત્વ જ જોખમાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીની વહેણ થંભી ગયું છે.ધરમપુરી માઇનોર કેનાલની લાંબા સમયથી સફાઈ કે મરામત કરાઇ નથી. કેનાલમાં તથા પાળા પર બંને તરફ્ ઘટાદાર વનસ્પતિ અને ઝાડીઓ જામી ગઈ છે. જેના કારણે કેનાલમાં પાણી છોડાય ત્યારે પ્રવાહ અવરોધાય છે. છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. વળી, કેટલીક જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થવાની ભીતિ પણ સેવાઈ છે. હાલ ખેતીની સિઝન દરમિયાન પાકને સમયસર પાણી મળવું અત્યંત જરૂરી છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમ કે સંબંધિત સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ્-સફાઈ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી. કેનાલમાં ઊગી નીકળેલા બાવળો અને કાંટાળી વનસ્પતિના કારણે પાણીનો વેડફાટ થવાની સાથે પાણી અટવાઈ જાય છે. જેથી ખેડૂતોને સિંચાઈથી વંચિત રહેવાનો વારો આવે છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગણી કરાઇ છે કે, તંત્ર દ્વારા સત્વરે સ્થળ તપાસ કરી ધરમપુરી પ્રશાખા નહેરમાંથી ઝાડી-ઝાંખરા દૂર કરી કાંપ અને કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી કેનાલમાં સુચારૂ રીતે પાણી વહી શકે અને ખેડૂતોના ઊભા પાકને જીવતદાન મળી રહે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.
