ડભોઇ નગરમાં સહયોગ શાકમાર્કેટ પાસે સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. શાકભાજી ખરીદવા આવેલા એક ઇકોકારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી તળાવમાં ખાબકી હતી. જોકે, સ્થાનિક લોકોની તત્પરતા અને સમયસૂચકતાને કારણે કારચાલકને હેમખેમ બહાર કાઢી લેવાતા એક મોટી હોનારત ટળી હતી.
મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાના બીથલી ગામના નિલેશ પાટણવાડીયા ઇકો કાર લઈને ડભોઇના સહયોગ શાકમાર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવ્યા હતા. માર્કેટના ફૂટપાથ નજીક કાર પાર્ક કરતી વેળા અચાનક જ સ્ટિયરિંગ પરથી તેમણે કાબૂ ગુમાવ્યો હતો. અને ઇકો કાર તળાવના કિનારા તરફ્ ધસીને સીધી તળાવના ઊંડા પાણીમાં ખાબકી હતી. કાર તળાવમાં ખાબકતા જ આસપાસના શાકભાજી વિક્રેતાઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી હતી. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક યુવાનો અને વેપારીઓએ સમય વેડફ્યાં વિના તળાવ તરફ્ દોડ મૂકી હતી. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને પાણીમાં ડૂબી રહેલી કારમાંથી ચાલક નિલેશભાઈને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મદદ મળી જતાં નિલેશભાઈનો આબાદ બચાવ થયો હતો. અને તેમણે સ્થાનિકોનો આભાર માન્યો હતો. તળાવ ફરતે રેલિંગ ન હોવાથી અકસ્માત થતાં તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો આરોપ છે કે, સહયોગ શાક માર્કેટમાં ફૂટપાથની બિલકુલ નજીક તળાવ આવેલું હોવા છતાં ત્યાં સુરક્ષા માટે કોઈ રેલિંગ કે પ્રોટેક્શન વોલ બનાવાઇ નથી.ડભોઇ નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ તળાવની ફરતે મજબૂત રેલિંગ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે, આવો જીવલેણ અકસ્માત ફ્રી ન સર્જાય.










