ડભોઇ શહેરના મહત્વપૂર્ણ એવા રેલ્વે સરિતા ઓવરબ્રિજ પર આજે બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઓવરબ્રિજ અને તેની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. એક તરફનો બ્રિજ બંધ હોવાથી કલાકો સુધી ભારે ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, ડભોઇ રેલવે સરિતા ઓવરબ્રિજ પર હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. જેના કારણે બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ બ્રિજ પરથી ડાયવર્ટ કરાયો છે.

આજે એક જ બ્રિજ પરથી સામસામે આવી રહેલી બે ગાડીઓ એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત બન્યો હતો. અકસ્માતને કારણે ઓવરબ્રિજ પર વાહનો અટવાયા હતા. મુસાફરો અને નિત્ય અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

પ્રવાસન અને વાહનવ્યવહાર માટે અતિ મહત્વનો માર્ગ ઉલ્લેખનીય છે કે, આ સરિતા ઓવરબ્રિજ વિસ્તારનો અત્યંત મહત્વનો બ્રિજ છે. આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો મુખ્ય માર્ગ છે. આ ઉપરાંત રાજપીપળા, પોઇચા, કરનાળી અને ચાણોદ જેવા જાણીતા ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા માટે પણ વાહનચાલકો આ જ ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે. આટલા મહત્વના માર્ગ પર ટ્રાફ્કિ ખોરવાતાં દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પણ હેરાન-પરેશાન થયા હતા. શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે. આ ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ કોઈને કોઈ કારણોસર વિવાદોમાં સંકળાયેલો રહ્યો છે. અવારનવાર સમારકામ અને ધીમી કામગીરીને કારણે લોકોને સતત હાલાકી ભોગવવી પડે છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોની કડક માંગ છે કે તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને બંધ પડેલો બીજો બ્રિજ સત્વરે ચાલુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અને ટ્રાફ્કિની સમસ્યાથી નિવારણ મેળવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો