ડભોઇ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં અચાનક વ્યાપક વધારો નોંધાયો છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ચાંદોદ ખાતે નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.

ઓરસંગ નદીનો ધસમસતો પ્રવાહ છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદને કારણે ઓરસંગ નદી પૂરના પાણી સાથે ચાંદોદ પાસે નર્મદા નદીમાં ભળે છે. તિલકવાડા અને નર્મદા કાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી મેણ નદીનો ધસમસતો પ્રવાહ પણ નર્મદાજીમાં સમાઈ રહ્યો છે. પ્રથમવાર સર્જાયા રમણીય દ્રશ્યો ચાલુ સીઝનમાં પ્રથમ વખત જ નર્મદા નદીમાં આટલી વિપુલ પ્રમાણમાં પાણીની નવી આવક જોવા મળે છે. જો ઉપરવાસમાંથી પાણીની આવક આ જ રીતે સતત ચાલુ રહેશે, તો ચાલુ સીઝનમાં પ્રથમવાર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે (છલોછલ) વહેતી જોવા મળશે. નર્મદા નદીના ભવ્ય સ્વરૂપને જોવા સ્થાનિકો અને શ્રાદ્ધાળુમાં ભારે ઉત્સાહ છે. અને ઘાટ પર રમણીય દ્રશ્યો સર્જાયા છે.