ડભોઇ તાલુકાનાં પલાસવાડા - કુંઢેલા પાસે હાલમાં 30થી વધુ બાંધકામ સાઈટો શરૂ થઈ છે. પરંતુ, કેટલાય બિલ્ડરો દ્વારા ગેરકાયદે કાયદાને નેવે મૂકીને બાંધકામ તથા વેચાણ પ્રક્રિયા કરતા હોવાનું ખુલવા પામ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ હવે સેગુવાડા મુકામે આવેલ મરહબા પાર્કનાં બિલ્ડરો દ્વારા પણ નર્મદા નિગમની કેનાલને તોડીને જગ્યા સમથળ કરીને દબાણ ઉભું કરી દેવાતા નિગમ દ્વારા નોટિસ પાઠવાઈ હોવાનું સામે આવ્યું છે.

આ અગાઉ બૈતુન નૂર સીટીનાં સંચાલકો દ્વારા પણ આ જ રીતે કેનાલ તોડીને બાંધકામ કરાયું હોવાના અહેવાલ પ્રસિદ્ધિ થયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક FIR કરવાનાં આદેશ થયાં હતા. જોકે બેતુન નૂર સીટીમાં એક બાબત એવી પણ બહાર આવેલ છે કે કુલ જમીન પૈકી એક સર્વેમાં તો બિનખેતીની પ્રક્રિયા જ બાકી હોવાનુ જણાતાં, તેમછતાં બિલ્ડરો દ્વારા બુકીંગ સહીતની પ્રક્રિયા કરી ખરીદદારોને નવડાવવાનો પ્લાન કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર પ્રક્રિયામાં વિસ્તારનાં તલાટીઓની ભૂમિકા શંકાસ્પદ રહી હોવાનું જાણવા મળેલ છે. કારણકે નગર નિયોજન નાં અભિપ્રાય અને ત્યારબાદ સ્થળ ચકાસણી કરી રજાચીઠ્ઠી આપવાની કામગીરી તલાટીએ કરવાની રહે છે.

પરંતુ, ડભોઇ તાલુકાનાં તલાટીઓ આવી રજાચિઠ્ઠી બાબતે આંખ આડા કાન કરી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામેલ છે.

જો કે તલાટીઓનાં આવા વર્તનને TDO પણ છાવરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આવા બિલ્ડરો પર અને તેમને સાથ આપતા તલાટીઓ પર જિલ્લા કલેક્ટર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો