ડભોઇ - બોડેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વેગા ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા જ રેલિંગની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી - ઝાંખરાં ઉગી નીકળ્યા છે. જેના કારણે સામેથી આવતાં વાહનો સ્પષ્ટ દેખાતાં ન હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. તંત્રની બેદરકારીના કારણે હાલ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા નિયમ મુજબ જે સફાઈ અને ઝાડી-ઝાંખરાં દૂર કરવાની કામગીરી ચોમાસા પહેલાં કે ઉનાળા દરમિયાન કરી દેવાની હોય છે, તે કામગીરી સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓની આ લાપરવાહી અને આળસનું પરિણામ હવે સામાન્ય વાહનચાલકોએ ભોગવવું પડી રહ્યું છે. ડભોઇથી બોડેલી તરફ્ જતો આ એક અત્યંત મહત્વનો અને સતત ધમધમતો સ્ટેટ હાઈવે છે. અહીંથી રોજના હજારો નાના-મોટાં વાહનો, એસ.ટી. બસો અને ભારે વાહનો પસાર થાય છે. બ્રિજ પરથી ઉતરતી વખતે વળાંક અને રેલિંગ પાસે ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને લીધે બ્લાઈન્ડ સ્પોટ ઉભો થયો છે, જેથી સામેથી કોઈ વાહન આવે છે કે નહીં તે દેખાતું જ નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે?સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો વાહનચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે આ ઝાડી-ઝાંખરાંની સાફ્-સફાઈ કરવામાં આવે.
